સરકાર દ્વારા પ૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરાતા એક મહિના પછી પણ ભારે અફરા તફરીનો માહોલ જોવા મળે છે એવા સમયે એક નવું ગતકડું સામે આવ્યુ તેમ રૃપિયા ૧૦નો સીક્કો કોઈ સ્વીકારતા નથી. વા વાયો ને નળિયુ ખસ્યુ એ કહેવત મુજબ વેપારીઓ, પાનના ગલ્લાવાળા, શાકભાજીવાળા ૧૦નો સીક્કો લેવાની ના પાડે છે. સરકાર દ્વારા ૧૦ના સીક્કા વિશે કોઈ જાતનો પરિપત્ર કરાયો નથી તેમ છતા જાણે ચલણમાંથી તેની બાદબાકી થઈ ગઈ હોય તેવો માહોલ બોટાદમાં છવાઈ ગયો છે. એવા સમયે આમજનતાની હાલાકીમાં ઔર વધારો થયો છે.
સરકાર દ્વારા મોટી ચલણી નોટો બંધ કરાયા બાદ નવી નોટોના વિતરણમાં કેટલીક વિસંગતતાના કારણે છૂટાની રામાયણ શરૃ રહી છે. દરમિયાન લોકોએ બચત કરેલા કે બાળકોની બચત બેંકમાંથી છૂટા શોધી શોધીને ઘર ચલાવવુ પડે તેવી નોબત સામે આવી છે. પરંતુ રૃપિયા ૧૦નો સીક્કો ચલણમાંથી નાબુદ થઈ ગયો હોય તેવી અફવા બજાર માં ફેલાતા કોઈ 10 નો સિક્કો લેવા તૈયાર નથી, આ બાબત સંદર્ભે સબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી આ અંગે ફેલાયેલી ગેરસમજણ દૂર કરવી જોઈએ એવી માંગ ઉઠી છે
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો