BREAKING

ગુજરાત વિધાનસભાની બેેઠકની પેટાચૂંટણી પ્રતિષ્ઠાનો જંગઃ છેલ્લી 6 ચૂંટણીમાં ભાજપે 4 વાર તો કોંગ્રેસે 2 વાર જીતનો સ્વાદ ચાખ્યો

 ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપર પેટા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણી પૈકી ગઢડા(સ્વામિના) - ઉમરાળા અનામત જાહેર 106 વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પ્રચાર ભારે પૂરજોશમાં ચાલી રહયો છે. વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રવિણ મારૂ ચૂંટાયા બાદ અર્ધી ટર્મ પૂર્વે જ રાજકીય વાવટો સમજણપૂર્વક સંકેલી રાજીનામું આપી દેતા આ બેઠક અને ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. આ વિધાનસભા બેઠકનું વિહંગાવલોકન કરીએ તો વર્ષ 1980થી અનામત બેઠક જાહેર થયા પછી સતત સુરત-ભાવનગરથી આયાત ઉમેદવારો જ મૂકવામાં આવતાં સ્થાનિક જનપ્રતિનિધિ માટેની માંગ સંતોષાઇ નથી.

અનામત જાહેર થયા પછી સહુ પ્રથમ ભાજપના ઉમેદવાર તરીકે મગનભાઈ રાણવાએ ઉમેદવારી નોંધાવી ભાજપના ધારાસભ્ય તરીકે જીત મેળવી વર્ષ 1990થી ભાજપનું ખાતુ ખોલ્યું હતું. ત્યારબાદ આસીટ ઉપર ભાજપ તરફથી મૂળ સુરતી અને એડવોકેટ આત્મારામ પરમાર તથા કોંગ્રેસ તરફથી પાલિતાણા ભાવનગરના પ્રવિણ મારૂ સતત લડતા આવ્યા છે. મુખ્યત્વે પાટીદારો અને કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક અને પાતળી સરસાઇથી 5થી 8 ટકા મતોના તફાવતથી હારજીત થતી આ બેઠક કાયમ રાજકીય પંડિતો માટે અસમંજસ યુક્ત બની રહી છે. અત્યાર સુધી ના પરિણામો ઉપર નજર કરીએ તો 1990થી ભાજપ માટે ગઢ બનેલી આ બેઠક મા ગત 6 ચૂંટણી દરમિયાન 4 વાર ભાજપના આત્મારામ પરમાર અને 2 વાર કોંગ્રેસ નાં પ્રવિણ મારૂ એ વિજય મેળવ્યો છે.

વર્ષ 2002માં સમગ્ર ગુજરાતમાં ભાજપના વંટોળ વચ્ચે પણ આ બેઠક ઉપરથી મતદારોએ કોંગ્રેસને જીતાડી છે. ત્યારે હાલની ચૂંટણી માં નજર સમક્ષ આવતા મુદ્દાઓ જોતા મતદારોએ મત આપી જીતાડેલા કોંગ્રેસ ના ઉમેદવારનું રાજીનામું તથા સ્થાનિક મુદ્દાઓ અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઇ મોદી ની કેટલીક કામગીરી ના કારણે ઉભા થયેલી અણનમ મતબેંક, ગુજરાતમાં ભાજપની સરકાર તથા પાટીદાર આંદોલન ની ઢીલી પકડ વચ્ચે આ બેઠક નું મૂલ્યાંકન કરીએ તો ભાજપ માટે ગત ટર્મ દરમિયાન ગુમાવેલી આ બેઠક અંકે કરવા માટેની ઉજળી તક દેખાય રહી છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી આ વિસ્તાર માટે અજાણ્યા પરંતુ ભાવનગરમાં કંસ્ટ્રકશન ક્ષેત્રે સારા ગજાના મોહનભાઈ સોલંકીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો