BREAKING

હીરામાં મંદી,વેકેશન લંબાતા રત્નકલાકારો ચિંતામાં

હાલ ઘર ચલાવવા પણ નાણા નથી, શું થશે તે સતત ચિંતા સતાવી રહી છે.

ભાવનગરમાં હીરાના કારખાનાઓમાં પડેલું વેકેશન આ વર્ષે ઘણું લંબાયું છે, સામાન્ય રીતે અગિયારસથી ધમધમતા થતાં હીરાના કારખાના-ઓફિસોમાં આ વર્ષે માત્ર અગિયારસના મુહૂર્ત જ થયા છે. જેના કારણે નાના કારખાના-ઘંટી ચલાવતા લોકોને બાદ કરતા ૯૯% હીરાના કારખાના હજુ પણ બંધ પડયા છે. આ વર્ષે વેકેશન લાંબું ખેંચાતા રત્નકલાકારોની આર્થિક ભીંસ વધી છે. કેટલાક પરિવારોને તો ઘર ચલાવવા ઉછી-પાછીના લેવા પડે તેવી મજબૂરી ઉભી થઈ છે.

ભાવનગરમાં આર્થિક રીતે સૌથી મોટો ઉદ્યોગ હોય તો છે ભાવનગર શીપ બ્રેકીંગ ઉદ્યોગ અને ત્યાર બાદ સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ છે હીરા ઉદ્યોગ. એક સમયે હીરા ઉદ્યોગમાં ભાવનગર જિલ્લાની ચમક દેશ-વિદેશમાં હતી, પરંતુ હવે આ હીરાની ચમક પર મંદીની ઝાંખપ આવી ગઈ છે. મંદીના માર અને મોટાભાગના હીરા ઉદ્યોગકારોનું સુરત તરફ સ્થળાંતરને કારણે જિલ્લાની આર્થિક કરોડરજ્જુમાં મહત્ત્વનો ભાગ ભજવતા હીરા ઉદ્યોગ હાલ મૃતપાય હાલતમાં છે.

હીરા ઉદ્યોગમાં સમયાંતરે મંદીનું મોજું તો સમસ્યા સર્જતુ જ હોય છે, તેજી મંદી આ ઉદ્યોગને હવે નવાઇ જેવું નથી લાગતું. ૨૦૦૮ની મહામંદીએ હીરા ઉદ્યોગની કમર તોડી નાંખી હતી. ભાવનગરમાં જ ૨૦૦૮ ની મંદીમાં એક અજીબ કિસ્સો બન્યો હતો તેમાં હીરા ઘસવાનું કામ કરતા કારીગરે પોતાના ઘરના સભ્યો નું પેટ ભરવાના પૈસા પણ ન હતા  માટે તે અનાજના લોટ ના ડબાની લૂટ કરી ને ભાગ્યો હતો. આ ઘટના બાદ સરકારે તાકીદે હીરાના કરીકારોને સહાય જાહેર કરી હતી, જ્યારે આ વર્ષે પણ કઈક આવી સમસ્યા ઉભી થઇ છે. દિવાળી પહેલા બંધ થયેલા હીરાના કારખાના મોટાભાગે લાભ પાંચમ કે અગિયારશ ના દિવસે શરુ થી જતા હોય છે, જો કે આ વર્ષે હજુ કારખાના ક્યારે શરુ થશે તે નક્કી થતું નથીમ ત્યારે રત્નકલાકારે પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ છે. હાલ ઘરમાં ખાવાની વસ્તુઓ પણ ઉછીના પછીના કરીને લાવે છે.

આ વર્ષે ભાવનગરમાં મંદીનું મોજું એટલું ફરી વળ્યું છે કે, દિવાળીને બે સપ્તાહથી વધુ સમય થયો હોવા છતાં ભાવનગરમાં ઘોઘાજકાતનાકા, રામમંત્ર મંદિર, સરદારનગર, મોખડાજી સર્કલ, કુમુદવાડી, વિઠ્ઠલવાડી, બોરતળાવ સહિતના વિસ્તારોમાં આવેલા ૯૯% હીરાના કારખાના હજુ બંધ પડયા છે. જે શરૂ છે તેમાં એકલ-દોકલ મોટા અને મોટાભાગના નાના કારખાનાનો જ સમાવેશ છે. આવી જ હાલત હીરા ઓફિસોની પણ છે. નિર્મળનગરમાં દિવાળી બાદ ૧૦% જેટલી ઓફિસો માંડ શરૂ થઈ છે.

હીરાના કારખાનેદારો અને કારીગરોએ અગિયારસમાં નવા વર્ષના કામનું મુહૂર્ત તો કર્યું હતું. પરંતુ મંદીને કારણે કારખાના શરૂ થઈ શક્યા ન હતા. હવે આવતા સપ્તાહથી કારખાના ફરી ધમધમતા થશે હીરા ઉદ્યોગની ચમક પાછી ફરશે તેવી રત્નકલાકારોએ આશા વ્યક્ત કરી છે. દર વર્ષ કરતા આ વર્ષે દિવાળી વેકેશન લાંબું ચાલ્યું હોવાથી રત્નકલાકારોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો