
ભાવનગર-૧૮
ઓગસ્ટશહેરના વિદ્યાનગર બાંભણીયાની વાડીમાં રહેતા 10 વર્ષના બાળકને કાળિયાબીડના યુવકે ત્રણ વર્ષ પુર્વે પાર્સલ લેવા આવવાનું કહી બાદમાં અપહરણ કરી બાળકના પિતા પાસે રૂા.30 લાખની ખંડણી માંગી માસુમ બાળકની હત્યા નીપજાવી નાખી હતી જે કેસમાં હત્યારાને ૫મી એડિશ્નલ સેશન્સ કોર્ટએ સ્પેશ્યલ સરકારી વકિલની દલીલોને ગ્રાહ્ય રાખી કેદ અને વિવિધ કલમ તળે સવા લાખનો દંડ ફટકાર્યો. ભાવનગર શહેરમાં ભારે ચકચાર મચાવનાર શહેરના વિદ્યાનગરમાં આવેલી બાંભણીયાની વાડીમાં રહેતા કિશોરભાઇ જેન્તીભાઇ બાંભણીયાના ૧૦ વર્ષના માસુમ પુત્ર સમીરને ગત ૭-૮-૨૦૧૪ ના રોજ બપોરે મોબાઇલ ફોન ઉપર કુરીયરમાં પાર્સલ આવ્યુ છે લઇ જાવ પરંતુ બાળકને જવામાં મોડુ થતા પાર્સલના બહાને આવેલો યુવાન જતો રહ્યો હતો. સમીર ઉપર ફરી ચારેક વાગ્યાના સુમારે ફોન આવ્યો હતો અને પાર્સલ લેવા યુનિવસિર્ટીના ગેટ પાસે બોલાવતા માસુમ સમીર પાર્સલ લેવા જતા અજાણ્યા યુવાને બાઇક ઉપર તેનું અપહરણ કરી લઇ ગયો હતો બાદમાં સમીરના જ મોબાઇલ ફોનમાંથી તેના પિતા કિશોરભાઇને ફોન કરી રૂા.૩૦ લાખની ખંડણી માંગી હતી નહીતર બાળકની હત્યા કરી નાખવાની ધમકી આપી હતી.ગભરાઇ ગયેલા કિશોરભાઇએ આ બનાવ અંગે એ.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગંભીરતાને લઇ હરકતમાં આવી અને અપહરણકારના મોબાઇલ લોકેશન મેળવતા અપહરણકાર વિપુલ બાબુભાઇ બારૈયાને ઝડપી લેધો હતો. ઝડપાયેલ અપહરણકાર વિપુલની તેને સમીરની હત્યા કરી મૃતદેહને વેળાવદર ભાલ તાબેના સનેસ ગામે તેની કારમાં લઇ જઇ લક્ષ્મણભાઇ ભીખાભાઇની વાડીમાં અવાવરૂ રોડમાં આવેલી પાણીની ટાંકીમાં નાખી દીધાની કબુલાત આપી હતી જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી અપહરણ, ખંડણી, હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધર્યા બાદ કોર્ટ હવાલે કર્યો હતો.
માસુમ બાળકના આ ચકચારી અપહરણ, ખંડણી અને હત્યા અંગેનો કેસ અત્રેની 5મી એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યલ સરકારી વકીલ ઉત્પલભાઇ દવેની ધારદાર દલીલો અને ૭૨ દસ્તાવેજી પુરાવાઓ અને ૩૨ સાક્ષીઓના નિવેદનો તથા વિવિધ ચુકાદાઓને ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ જજ એમ.જે.પરાશરે આરોપી વિપુલ બાબુભાઇ બારૈયાને તકસીરવાન ઠેરવી આરોપીને આજીવન કેદ ઉપરાંત વિવિધ કલમ તળે સવા લાખનો દંડ ફટકાર્યો છે જે પૈકી ૭૫ હજાર રૂપિયા ફરિયાદીને વળતર રૂપે ચૂકવવા હુકમ કર્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો