BREAKING

ભાવનગર જિલ્લામાં કપાસમાં ગુલાબી ઈયળોના ઉપદ્રવથી પાક નિષ્ફળ, બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ

 


ભાવનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો તેમની વાડી ખેતરોમાં કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરે છે. પહેલા પ્રથમવાર બીટી બિયારણ આવ્યું ત્યારે એક વીઘા જમીનમાં 50 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. સારું ઉત્પાદન થવાથી આવક વધવા લાગતા મોટાભાગના ખેડૂતો વાડી ખેતરોમાં બીટી બિયારણનું વાવેતર કરી કપાસનું વાવેતર કરવા લાગ્યા છે. સમય જતાં ઉત્પાદન ઘટ્યું અને દવાનો છંટકાવ કરવા છતાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધવાના કારણે એક વીઘો જમીનમાં 15થી 20 મણ કપાસ થવા લાગ્યો અને છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત ઉત્પાદન ઘટવા લાગ્યું છે. બિયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યો હોય તેનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખએડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.

દેશી બિયારણ ખૂબ જ સારું હતું, એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતુંઃ ખેડૂત
આ વર્ષે કપાસમાં ગુલાબી લીલી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વઘ્યો અને સડો બેસી ગયો છે. કપાસના છોડ ચીકણા બની ગયા છે. અત્યારે જે કપાસનું વાવેતર કર્યુ છે તેમાં 15 વાર દવાનો છંટકાવ કરવામાં આવે છે. એક પંપનો ખર્ચ 70 રૂપિયા જેવો થાય છે. એક વીઘામાં આઠ-આઠ પંપ દવા છાંટવી પડે છે અને એક વીઘામાં એકવાર દવા છાંટવાનો ચાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ચાર વીઘા જમીનમાં બીટી કપાસનું વાવેતર કરનાર ખેડૂતે વ્યથા ઠાલવતા જણાવ્યુ હતું કે, ચાર વીઘા જમીનને ખેડી બીટી કપાસના બિયારણનું વાવેતર કર્યુ અને સારું ઉત્પાદન થાય તે માટે રાત-દિવસ મહેનત કરી પરંતુ જમીનમાં ઈયળો ઘૂસી ગઈ છે. હજારો રૂપિયાનો ખર્ચ કરી દવાનો છંટકાવ કર્યો પણ પરિણામ મળતું નથી. આ સંજોગોમાં એક વીઘે પાંચ મણનો ઉતારો આવે તો સારું. આ કરતાં દેશી બિયારણ ખૂબ જ સારું હતું. એક વીઘે 30 મણ કપાસનું ઉત્પાદન થતું હતું. જેમાં કોઈ પણ પ્રકારની દવા છાંટવી પડતી નહીં.

નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે
70 વર્ષના ખેડૂતે જણાવ્યું હતું કે, મેં મારી આટલી ઉંમરમાં પાકમાં આવી જીવાત જોઈ નથી. નવા નવા બિયારણો, રાસાયણિક ખાતર અને દવાના કારણે ખેત પેદાશો બગડી રહી છે. દવાઓ એવી આવે છે એકવાર છાંટો અઠવાડીયું સારૂ લાગશે પાછો ઉપદ્રવ વધશે અને બીજી દવા છાંટવાની વધારે ઉત્પાદન લેવા ખેડૂતો ખર્ચ કરી રહ્યાં છે પણ ઉત્પાદન ઘટી રહ્યું છે. જમીન ખરાબ થઈ રહી છે અને લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. સરકારે રસાયણિક ખાતર અને દવા પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે . પહેલા જે દેશી ખેતી હતી તે ખૂબ જ સારી હતી. ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ પાછા આવવું પડશે. ખર્ચ ઘટશે અને ઓર્ગેનિક ખેત ઉત્પાદન માર્કેટમાં આવશે તો લોકોનું આરોગ્ય સુધરશે અને દવાની પણ જરૂર નહીં પડે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો