ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠક પર પેટા ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે, જેમાં ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. આ પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે તેથી ઉમેદવારો પ્રચાર માટે દોડધામ કરી રહ્યા છે. ગઢડા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી આશરે ૯ હજાર મતે હારજીત થાય છે ત્યારે આ પેટા ચૂંટણીમાં કેટલા મતે હારજીત થાય છે ? તેની રાહ જોવી જ રહી.
બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ યોજાશે. આ પેટા ચૂંટણી માટે ભાજપે ગઢડા બેઠકની પેટા ચૂંટણી લડવા ફરી જુના જોગી આત્મારામ પરમારને ટીકીટ આપી છે, જયારે કોંગ્રેસે નવા જ ઉમેદવાર મોહન સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. પેટા ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે તેથી ઉમેદવારો અને રાજકીય અગ્રણી-કાર્યકરો પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ગઢડા વિધાનસભાની ચૂંટણીનો ભૂતકાળ જોઈએ તો છેલ્લી બે ટર્મથી આશરે ૯ હજાર મતે હારજીત થઈ છે, જેમાં ગત વર્ષ ર૦૧રમાં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ ૯૦૯૪ મતથી કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ ટીડાભાઈ મારૃ સામે વિજેતા થયા હતાં. ભાજપના ઉમેદવારને ૬૪,૦પ૩ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને પ૪,૯પ૯ મત મળ્યા હતાં. ગત વર્ષ ર૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારૃએ ૯૪ર૪ મતે ભાજપના ઉમેદવાર આત્મારામ સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને ૬૯,૪પ૭ મત અને ભાજપના ઉમેદવારને ૬૦,૦૩૩ મત મળ્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્યએ થોડા માસ પૂર્વે યોજાયેલ રાજ્યસભાની ચૂંટણી પૂર્વે રાજીનામુ આપી દેતા ગઢડા બેઠક ખાલી પડી છે. ગઢડા વિધાનસભા બેઠક પર ઉપરોકત બંને ઉમેદવાર સામસામે લડતા હતા પરંતુ હવે કોંગ્રેસમાંથી પ્રવીણ મારૃએ રાજીનામુ આપી દીધુ છે ત્યારે કોંગ્રેસે નવા ઉમેદવારને પેટા ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે. ગઢડા પેટા ચૂંટણીમાં કયાં ઉમેદવારનો વિજય થશે અને કેટલા મતે વિજય થશે ? તેને લઈ રાજકીય લોકોમાં ચર્ચા શરૃ થઈ ગઈ છે. આ પેટા ચૂંટણીમાં જીતનાર ઉમેદવારની લીડ વધશે કે ઘડશે ? તેની રાહ જોવી જ રહી.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ રાજકીય માહોલ જામ્યો છે અને શહેર તેમજ ગામડાઓમાં રાજકારણની ચર્ચા કરતા લોકો નજરે પડી રહ્યા છે. હાલ પેટા ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારો તેમજ રાજકીય લોકો શહેર અને ગામડાઓમાં દોડધામ કરી રહ્યા છે. મતદારોને મત આપવા હાથજોડી રહ્યા છે અને આજીજી કરી રહ્યા છે. મતદારો રાજકીય લોકોની વાતો સાંભળી રાજકીય ચર્ચાઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. ૩ નવેમ્બરને મંગળવારે યોજાશે. આચારસંહિતાના પગલે આગામી તા. ૧ નવેમ્બરે સાંજના પ કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારબાદ ઉમેદવારો તેમજ રાજકીય લોકો જોરશોરથી પ્રચાર કરી શકશે નહી. માઈકથી પ્રચાર નહી કરી શકે તેમજ મોટી સભાઓ કરી શકશે નહી. પ્રચાર આડે બે દિવસ જ બાકી રહ્યા છે તેથી ઉમેદવારો તેમજ રાજકીય પાર્ટીઓએ પ્રચાર કામગીરી ઝડપી કરી હોવાનુ જણાય રહ્યુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો