BREAKING

ભાજપ-કોંગ્રેસે સભાઓ ભરી કોરોનાને આમંત્રણ આપ્યું, મોટી સંખ્યામાં લોકો ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉલાળિયો કર્યો

 

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન આડે હવે માત્ર 4 દિવસ બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. સંમેલનો અને લોકસંપર્ક દ્રારા વધુમાં મતદારો સુધી પહોંચવાના પ્રયાસોમાં અને જીતવાની ધુનમાં વધુ એક વખત નેતાઓ કોરોનાને ભુલી ગયા. ગઢડામાં આજે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે લોકસંપર્ક માટે નિકળ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ ભુલી ગયા હતાં એટલું જ નહીં માસ્ક વગરના પણ જોવા મળ્યા હતા.

કોંગ્રેસ દ્વારા યોજાયેલ મહિલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરા ઉડયા હતાં તો ભાજપ દ્વારા ચભાડીયા ગામે ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુર ત્રણ તાલુકાનું સંમેલન યોજાયું હતું. જેમાં કોરોનાના ડર વગર સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો હતો. આ સંમેલનમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના જોવા મળ્યા હતા. કોરોનાની ગાઈડ લાઈન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો નિયમ માત્ર સામાન્ય નાગરિકોને લાગુ પડે છે અને તેની પાસેથી દંડની રકમ વસુલવામાં આવે છે. જયારે રાજકીય સભા, રેલી, સંમેલન સહિતના કાર્યક્રમોમાં ખુલ્લેઆમ કોરોનાના નિયમોને નેવે મુકવામાં આવે છે જેને લઈને લોકો રોષ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો