ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૦મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ માટે ૧૫૦૦૦થી વધુ મહિલાઓ દ્વારા ૯ લાખથી વધુ ઘરોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિથી લઈને છેવાડાના ગામડાના સામાન્ય લોકો પણ અક્ષરદેરીને અર્ઘ્ય અર્પવા અને ઉત્સવનો લાભ લેવા માટે આવ્યા હતા.
૧૧ દિવસના આ ઉત્સવમાં ૧૪,૦૦,૦૦૦ (ચૌદ લાખ) થી વધુ દર્શનાર્થીઓ પધાર્યા હતા. સમગ્ર ઉત્સવ દરમિયાન ૧૫૦૦૦ સ્વયંસેવકો અને ૩૫૦ થી વધુ સંતોએ ખડે પગે રહીને સેવાઓ બજાવી હતી. સ્વામિનારાયણ નગરમાં ચાલતા રક્તદાન કેમ્પમાં ૭,૩૫,૦૦૦ (સાત લાખ પાત્રીસ હજાર) સીસી રક્તદાન થયું હતું. વ્યસનમુક્તિ યજ્ઞમાં પોતાના વ્યસનોની આહુતિ આપીને ૧૩૦૦ (તેર સો)જેટલા લોકો વ્યસનમુક્ત થયા હતા. જુદી જુદી શાળાઓ અને શિક્ષકો આ ઉત્સવનો લાભ લઈને મૂલ્યશિક્ષણ અને જીવનશિક્ષણના પાઠ ભણે એ હેતુથી તા.૨0થી તા.૩૦ સુધી સવારના સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે દર્શનની વ્યવસ્થા કરી હતી જેનો ૩૬૦ શાળાના ૬૧,૨૦૦ (એકસઠ હજાર બસ્સો) વિદ્યાર્થીઓ અને ૫૫૦૦ (પાંચ હજાર પાંચ સો) શિક્ષકોએ લાભ લીધો હતો. શ્રી નીલકંઠ વિદ્યા સંકુલ, રાણસીકીથી આવેલ ભેડા શીતલ પ્રતાપભાઈએ જણાવ્યું કે પરમાનંદ પ્રદર્શન ખંડમાંથી મને પ્રમુખસ્વામી મહારાજની જેમ બીજા લોકો પ્રત્યે શુભભાવના રાખવાનો ઉપદેશ મળ્યો. ગોંડલની ઓક્ષફર્ડ ઇનટરનેશનલ સ્કુલની વિદ્યાર્થીની સોલંકી રાધિકાએ જણાવ્યું કે ‘અમે આ મહોત્સવ માંથી ઘણું બધું શીખ્યા છીએ. વિશેષ તો બીજા લોકો સારા છે કે ખરાબ તેનો વિચાર કર્યા વગર બધાનું ભલું ઇચ્છવાનું હું અહીંથી શીખી છું.’
આમ, ઉત્સવમાં સામેલ થનાર સૌ કોઈએ અલૌકિક આનંદ અને પરમ શાંતિનો અનુભવ કર્યો હતો. શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ લાભ લેનાર તમામ માટે એક ચિરસ્મરણીય સંભારણું બની ગયું છે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો