BREAKING

જુવો "રાષ્ટ્રવાદ" અંગે શુ કહે છે આજનો યુવાવર્ગ


સાધના દેસાઈ

નમસ્તે... હું સાધના દેસાઈ. બી.એડની વિદ્યાર્થી છું. વાંચન અને લેખન એ મારા શોખ છે. કેટલાક વિષયો પર લખવું મને ગમે છે એ જ શ્રેણીમાં આજે રાષ્ટ્રવાદ વિષય પર આર્ટિકલ લખી રહી છું.


-------------------------------------------------------------


***** રાષ્ટ્રવાદ **********



દેશમાં ગત વર્ષોમાં "રાષ્ટ્રવાદ" ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. શુ છે આ રાષ્ટ્રવાદ અને  રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ...? શુ દેશપ્રેમ કે દેશભક્તિ એ જ રાષ્ટ્રવાદ કે પછી બંને અલગ છે...? આવો રાષ્ટ્રવાદની પરિકલ્પનાને સમજવાનો પ્રયત્ન કરીએ....

રાષ્ટ્રવાદ અર્થાત Nationalism  શબ્દને ડીક્ષનરીમાં સર્ચ કરીશું તો કંઈક આવો અર્થ નીકળશે. રાષ્ટ્રવાદ એટલે : 
- રાષ્ટ્ર એક સ્વતંત્ર ઘટક છે  માટે તેનું હિત સાધવાનો ભાવ.
- રાષ્ટ્રભક્તિ / સ્વદેશાવાદ
- પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના જરૂર પડે રાષ્ટ્ર માટે તન મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવના.

એ જ પ્રમાણે જો રાષ્ટ્રવાદી શબ્દને ડીક્ષનરીની દુનિયામાં સર્ચ કરીશું તો કંઈક આવા અર્થો નીકળશે.
રાષ્ટ્રવાદી એટલે : 
- સ્વરાજ્ય કે સ્વદેશનો પક્ષકાર
- સ્વરાજ્યની તરફેણ કરનાર
- સ્વદેશવાદી

કુલ મળીને જોઈએ તો પોતાના રાષ્ટ્ પ્રત્યે લગાવ અને સમર્પણના ભાવને રાષ્ટ્રવાદ કહે છે. ભારત એક સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષા વિવિધતા ધરાવતો રાષ્ટ્ છે.  રાષ્ટ્રવાદની ભાવના જ એક એવી ભાવના છે જે સંસ્કૃતિની વિભિન્નતાઓ હોવા છતાં બધા દેશવાસીઓને એકસૂત્રમાં બાંધી શકે છે. ભારત જ નહીં વિશ્વના મોટાભાગના દેશો રાષ્ટ્રની તુલના મા સાથે કરે છે કારણ કે જે પ્રકારે માં પોતાના બાળકનું પાલન પોષણ કરે છે ઠીક એ જ પ્રકારે એક રાષ્ટ્ર પણ પોતાના નાગરિકોના જીવનની આવશ્યકતાઓ પુરી કરે છે. દુનિયાના કોઈ પણ દેશની પ્રગતિ માટે તે દેશના નાગરિકોમાં રાષ્ટ્રવાદની ભાવના હોવી જરૂરી છે.

નોબેલ પુસ્કારથી સન્માનિત વિશ્વ કવિ રવિન્દ્રનાથ ઠાકુર જાપાનના પ્રવાસ પર હતા.એક વિદ્યાલયમાં તેમને નિમંત્રણ મળ્યું. તેમને ત્યાંના બાળકોને એક પ્રશ્ન પુછ્યો : "તમે કયા ધર્મને માનો છો...? " જવાબ મળ્યો : 'બૌદ્ધ ધર્મ'. ઠાકુરે પૂછ્યું  "શુ તમે જાણો છો બુદ્ધ ધર્મના પ્રણેતા મહાત્મા બૌદ્ધ ભારતમાં જન્મ્યા હતા..?" જવાબ મળ્યો : "જી હા, અમે જાણીએ છીએ"

રવીન્દ્રનાથ ઠાકુરે પછીથી એક બહુ અધરો સવાલ કર્યા : " કલ્પના કરો કે મહાત્મા બુદ્ધ સેના લઈ તમારા દેશ જાપાન પર આક્રમણ કરે તો તમે શું કરશો...?" એક બાળક સ્ફૂર્તિથી ઉભો થયો અને ગુસ્સાથી બોલ્યો : "અમે બુદ્ધનો સામનો કરીશું. ભગવાન બુદ્ધની બધી જ મૂર્તિઓ ઓગાળીને ગોળીઓ બનાવીશું અને બુદ્ધ તથા તેમની આક્રમણકારી સેનાને કચડી નાખીશુ. કવિવર રાવીન્દ્રનાથનું મસ્તક બાળકોની રાષ્ટ્રભક્તિ સામે ઝૂકી ગયું. આ છે "રાષ્ટ્રવાદ". કદાચ આ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણના લીધે જ ભારત સાથે પાપાપગલી શરૂ કરનાર જાપાન આજે પોતાની શક્તિ વડે દુનિયાને હંફાવે છે.

"રાષ્ટ્ર"- એક અદ્રશ્ય અને અદમ્ય ભાવનાનું નામ છે. આ અદ્રશ્ય ભાવનાને સાકાર કરે છે- રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ. ત્યારે જ તો બિસ્મિલ કહી ઉઠે છે.

"યદી દેશહિત મૈં મરના પડે મુઝકો સહસ્ત્રો બાર ભી
તો ભી ન મૈં ઇસ કસ્ટ કો નિજ ધ્યાન મેં  લાઉ કભી
હો ઇસ ભારતવર્ષ મૈં શત બાર જન્મ મેરા
કારણ સદા હી મૃત્યુ કા દેશોપકારક કર્મ હો."


ભારત જ નહીં વિશ્વમાં ચર્ચા ચાલે છે  કે "દેશભક્તિ અને રાષ્ટ્રવાદમાં શ્રેષ્ઠ કોણ...?" બંનેની તુલના કરતા પહેલા બંનેનો ભેદ સમજવો આવશ્યક છે. શુ આ બંને શબ્દ એક જ વિચારના બે પહેલું છે, બે અર્થ ધરાવે છે કે બંને સર્વથા અલગ છે...? 

દેશભક્તિ અને રાષ્ટ્રવાદ. બંને શબ્દ વિપરીત અર્થવાળા તો નથી પરંતુ પર્યાયવાચી પણ નથી. જ્યાં એકની સીમા સમાપ્ત થાય છે ત્યાં બીજાની પ્રારંભ થાય છે. રોચક વાત એ છે કે જ્યારે આપ આ માર્ગ પર ચાલી રહ્યા છો ત્યારે રેલગાડીની જેમ આપને પણ ખબર નથી હોતી કે ક્યારે એ એક પ્રદેશની સીમાને છોડીને ક્યારે બીજા પ્રદેશમાં પહોંચ્યા.

દેશભક્તિ અને રાષ્ટ્રવાદને સમજતા પહેલા દેશ અને રાષ્ટ્ર શબ્દની પરિકલ્પના સમજવી પડે. દેશ મતલબ - કોઈ ભૂભાગની બૌગોલીક અને રાજનૈતિક સીમાઓ.ઉદાહરણ તરીકે કચ્છમાં મજૂરી કરતો રાધનપુરના કોઈ ગામડાનો શ્રમિક પાસે તમે ક્યારેક સાંભળ્યું હશે કે" હું  દેહ(દેશ)માં જઈ રહ્યો છું." અર્થાત તે પોતાના ગામડે જઈ રહ્યો છે. એના ગામની સીમાઓ જ એના માટે દેશ છે. દેશભક્તિ કે દેશપ્રેમનો અર્થ છે પોતાના દેશ કે ક્ષેત્રની સીમાઓથી પ્રેમ જ્યારે રાષ્ટ્રની વાત કરીએ તો રાષ્ટ્ર અર્થાત એ ક્ષેત્રમાં રહેવાવાળા લોકો, તેમની સંસ્કૃતિ, વિરાસત અને તેમના ઇતિહાસથી પ્રેમ.

જો આપ દેશની સીમાઓ અને ક્ષેત્રને પ્રેમ કરો છો તો તે દેશપ્રેમ છે. જો આપ દેશની પહેચાન,પોતાની સાંસ્કૃતિક ધરોહર અને ઇતિહાસથી પ્રેમ કરો છો તો તે રાષ્ટ્પ્રેમ છે.

આપણા માટે રાષ્ટ્રીય પરિપેક્ષમાં જ રાષ્ટ્રવાદી બની રહેવું હંમેશા સંભવ હોતું નથી. આપણે નાની-નાની વાતોમાં પણ પોતાનું રાષ્ટ્રવાદીપણું બતાવી શકીએ છીએ. જેમ કે - વીજળી બચાવવા માટે પોતાના ઘરમાં અનાવશ્યક બલ્બ ચાલુ ન રાખવા, અનાવશ્યક પંખા, કુલર કે AC ન ચલાવવા, બહાર નીકળતા પહેલા લાઈટ પંખા અવશ્ય બંધ કરીએ, પોતાની રોજિંદી ક્રિયાઓમાં અધિક પાણીનો ઉપયોગ ટાળીએ, લગ્ન સમારોહ કે રેસ્ટોરન્ટ આદિમાં ચા- પાણી કે ભોજન આદિ કરતા સમયે પોતાની પ્લેટમાં ભોજન છોડતા નથી. પ્લાસ્ટિકના બિનજરૂરી ઉપયોગને ટાળીએ, કચરો કચરાપેટી માં જ નાખીએ, પોતાની દિનચાર્યમાંથી કેટલોક સમય રાષ્ટ્રનિર્માણના કાર્યમાં આપીએ જેવા કે - જરૂરિયાતવાળા ગરીબ બાળકોના વિસ્તારમાં જઈને તેમને શિક્ષણ આપીવુ, મેડિકલ કેમ્પ ખોલવા. તેમના દુઃખ અને દર્દને તેમની સાથે બેસીને સમજવું વગેરે..

આ બધી નાની-નાની વાતો છે પરંતુ આપણાં રાષ્ટ્રવાદી હોવાનું પ્રમાણ છે. આપણે મોટી મોટી વાતો પર સરકાર પર ચિલ્લાઈએ છીએ, કોઈ વિશેષ પક્ષને રાષ્ટ્રવાદી બનવાના ઉપદેશો આપીએ છીએ પરંતુ સ્વયં આવી નાની વાતોનું ધ્યાન નથી રાખતા તો આપણો રાષ્ટ્રવાદ એક નાટક અથવા તો પાખંડી સિદ્ધ થાય છે. આપણે હંમેશા રાષ્ટ્રવાદી રહી શકીએ છીએ અને રહીએ પણ છીએ બસ ઉપસ્થિત અવસરને ઓળખવાની જરૂર છે.

રાષ્ટ્રવાદ કોઈ સરકાર, વ્યક્તિ કે કોઈ પક્ષની બાપદાદાની જાગીર નથી. એના પર દરેક રાષ્ટ્રવાદીનો સમાન અધિકાર છે. જો આમાં પણ આરક્ષણ થઈ ગયું હોત તો ગરીબની ઝૂંપડીનો માટીનો દીવો કારગિલ વિજય ઉત્સવમાં ધનિકની કોઠીના બલ્બોના સામે શરમાઈને સ્વયં બુઝાઈ જાત. પરંતુ થયું નહીં અને ના થઇ શકે છે. રાષ્ટ્રવાદના ઉત્સવમાં દિપક અને બલ્બની કોઈ પ્રતિયોગીતા નથી હોતી પરંતુ બલ્બ સ્વયં દીપકને પોતાનો પિતા માનીને તેની આંગળી પકડીને રાષ્ટ્રવાદના મેળામાં નાચવા લાગે છે.



વર્તમાન સ્થિતને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ જાતિવાદ અને કોમવાદયુક્ત વાતાવરણમાં સમાજની એકતા અને અખંડિતતા જાળવવા માટે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ  એક માત્ર એવું માધ્યમ છે જેના થકી સમગ્ર દેશને જાતિ, ધર્મ,પંથ - સંપ્રદાયથી પર થઈને એકસૂત્રમાં બાંધીને માં ભારતીને પરમ વૈભવ પર પુનઃ પ્રસ્થાપિત કરી શકીએ છીએ...

ભારતમાતા કી જય...

- સાધના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો