ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને કોંગ્રેસનો પરાજય થયો હતો. ગઢડામાં પંજાને પછાડી કમળ ખીલ્યુ હતુ તેથી ભાજપ અગ્રણી-કાર્યકરોમાં ઉત્સાહમાં આવી ગયા હતા અને કોંગ્રેસમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારને ર૩ હજારથી વધુ મતની લીડ મળી હતી. ભાજપ ઉમેદવારનો વિજય થતા સમર્થકો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો અને હારતોરા કરવામાં આવ્યા હતાં.
બોટાદ જિલ્લાની ગઢડા વિધાનસભા અનામત બેઠક ઉપર યોજાયેલી મત ગણતરી બાદ કાયમ અવઢવમાં રહેતી આ બેઠક માટેનો જનાદેશ પરિણામ બાદ સ્પષ્ટ થતા ભાજપ ગત ચૂંટણી દરમિયાન ગુમાવેલો ગઢ પાછો મેળવવામાં સફળ રહેતા ભાજપ છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ મત ગણતરીની શરૂઆત થી જ ભાજપના આત્મારામ પરમારની લીડ ક્રમબદ્ધ આગળ નિકળતી જોવા મળી હતી. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ સોલંકી લીડ નહી કાપી શકતા ગઢડાની બેઠક ઉપર ૨૩,ર૯પ મતથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર વિજયી બન્યા હતાં. આ ચૂંટણીમાં ભાજપ ના આત્મારામ પરમાર ને ૭૧,૯૧૨ મત મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના મોહનભાઈ સોલંકી ને ૪૮,૬૧૭ મત મળતાં ૨૩,૨૯૫ મતની સરસાઇથી ભાજપ ના ઉમેદવાર નો વિજય થયો હતો. આ ચૂંટણી માં અન્ય અપક્ષ સહિત બાકી ના કુલ ૧૦ ઉમેદવાર ખાસ કાંઈ ઉકાળી નહી શકતા મતોનું ધૃવીકરણ પણ થયુ નહોતું. આ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયમ ગઢડા શહેરમાં ઓછા મત મેળવતા ભાજપને શહેરમાંથી પણ ૩૧૦૦ જેટલા મતની પ્રથમવાર સારી લીડ મળતા મતદારો એ પુનઃ ભાજપને સ્વિકારતો જનાદેશ આપ્યો હતો.
પેટા ચૂંટણીમાં ભાજપના વિજય ઉપરાંત ગુજરાતની બીજી બેઠકો પણ ભાજપ જીતી જતા કાર્યકરો ની છાવણીમાં ઉત્સાહના વાતાવરણથી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. આ ચૂંટણી પરિણામની ઘોષણા બાદ વિજેતા ઉમેદવારનુ ભાજપ અગ્રણી-કાર્યકરો દ્વારા વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. આ વિજય સરઘસ સાથે ગોપીનાથજી દેવ મંદિર તથા અક્ષર પુરુષોત્તમ મંદિરે દર્શન કરી ગ્રામ્ય વિસ્તારમાં વિજયરથ સાથે પ્રસ્થાન કરી મતદારોનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણીને જરાય હળવાશથી નહી લેતા ગત ચૂંટણીના પરાજયને ધ્યાનમાં રાખી ભાજપ તરફથી માઈક્રો પ્લાનિંગ હાથ ધરાયું હતુ અને કોંગ્રેસ સામે વિજય મેળવ્યો હતો. ભાજપના ઉમેદવાર ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા પરંતુ પેટા ચૂંટણી જીતતા ફરી ધારાસભ્ય બની ગયા છે તેથી તેના સમર્થકો ગેલમાં જોવા મળી રહ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો