BREAKING

નવસારીઃ કોથળામાંથી મળી ગુમ થયેલા બાળકની વિકૃત લાશ



સુરત બ્યુરો..

નવસારીના દાંડીવાડ ખાતેથી ઘરમાંથી ત્રણ વર્ષના બાળકને ઉંચકીને અપહરણ કરવાની ઘટના બાદ બીજા દિવસે તેની વિકૃત થયેલી લાશ મિથાલીનગરી જવાના પુલ નીચેથી પ્લાસ્ટિકની કોથળીમાં મળી આવી હતી. જોકે આ ઘટના બાદ આસપાસના લોકો રાત્રીના સમયે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાળકની વિકૃત લાશ મળતાં નવસારી પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

નવસારી શહેરના વોર્ડ નં. 4 મહાકાલી મંદિરની સામે સવિતાબને ભરત રાઠોડ પોતાની ત્યક્તા પુત્રી ટીના રાઠોડ સાથે રહે છે. ટીના રાઠોડને ચાર બાળકો પૈકી સૌથી નાનો 3 વર્ષીય પુત્ર ગણેશ રાઠોડ સહિત ચારેય બાળકો ગત 22મી જૂનના રોજ મધરાત્રીના 12.30થી 1 વાગ્યાની આસપાસ ઘરે સુતા હતા, ત્યારે કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ચાર પૈકી ગણેશ રાઠોડને ઉંઘમાં જ ઉઠાવી ગયા હતા. આ બાબતની જાણ થતાં જ રાત્રે સ્થાનિકોએ શોધખોળ આદરી હતી, પરંતુ તે મળ્યો ન હતો. બીજા દિવસે પણ નવસારી શહેરમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળ્યો ન હતો.

આજ રોજ રુસ્તમવાડીથી મિથીલાનગરી જવાના પુલ ઉપર કોઇ સ્થાનિકે કોઇ બાળકને કોથળામાં પુલ નીચે નાંખી ગયુ હોવાની ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કાળા રંગના પ્લાસ્ટિકના કોથળાની તપાસ હાથ ધરતા મોઢા પર પ્લાસ્ટિકની બેગ વિંટાળેલી અને પગ બાંધેલી હાલતમાં બાળકની વિકૃત લાશ મળી આવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો