BREAKING

ગઢડાના ધોળાની સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયાનું કહી શ્રદ્ધાંજલિ પાઠવતા કાર્યકરોમાં શોક

 ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર વેગવંતો બનાવવામાં આવ્યો છે. આજે ગઢડાના ધોળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભા યોજાઈ હતી. જેમાં રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયાનું જણાવ્યું હતું. તેમજ ઈશ્વર કેશુબાપાના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગઢડામાં યોજાયેલી સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યાં હતા. બીજી તરફ બગસરામાં CM વિજય રૂપાણીની યોજાનારી સભા રદ્દ કરવામાં આવી છે.


કેશુભાઈ પટેલના અવસાનથી ગુજરાતને મોટી ખોટ પડી છે- રૂપાણી
CM રૂપાણીએ સભામાં જણાવ્યું હતું કે જેમને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપ સુધી વટ વૃક્ષ ઊભું કર્યું, જેમને આખી જીંદગી આ રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કરી હતી. જેને ખેડૂતપુત્ર તરીકે ખેડૂતો માટે ખુબ કામ કર્યું હતું એવા આપણા વડીલ આદરણીય કેશુભાઈ પટેલનું દુ:ખદ અવસાન થયું છે. આજે ખુબજ દુ:ખની લાગણી છે. ગુજરાતને મોટી ખોટ પડી છે. ભાજપને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને સદગતિ આપે તેવી આપણા બધાં વતી પ્રાર્થના કરૂ છું.

સભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું
ગઢડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ ભાજપને બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ આજની મુખ્યમંત્રીની સભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.

બગસરામાં યોજાનારી CMની સભા રદ્દ
બીજી તરફ પેટા ચૂંટણીને લઈને બગસરામાં CM વિજય રૂપાણીની સભા યોજવાની હતી. પરંતુ કેશુભાઈ પટેલનું દુ:ખદ અવસાન થતાં સભા રદ્દ કરવામાં આવી છે. આ સાથે જ અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શોકાંજલિ પાઠવવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો