BREAKING

બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઉમેદવારે 26 ફોર્મ ભર્યા

 બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા બેઠક પર આગામી માસે પેટા ચૂંટણી યોજાશે. આ પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ, જનચેતના પાર્ટી અને અપક્ષના કુલ ૧૬ ઉમેદવારોએ ૨૬ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. જે ફોર્મની આવતીકાલે ચકાસણી થશે અને ૧૯મીએ પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર લડશે ? તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.



ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં ગઢડા વિધાનસભા બેઠક માટે આગામી ૩જી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષો પણ મેદાનમાં પડયા છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ આજે શુક્રવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તેમાં વધુ પાંચ ફોર્મ ભરાતા ગઢડા બેઠક માટે કુલ ૨૬ ફોર્મ ભરાયા છે. આ ૨૬ ફોર્મ પૈકી ભાજપ અને કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોએ ચાર-ચાર, ભાજપના ડમી ઉમેદવારે એક અને કોંગ્રેસના ડમી ઉમેદવારે ચાર ફોર્મ જમા કરાવ્યા છે. તો એક ફોર્મ રાષ્ટ્રીય જનચેતના પાર્ટીના ઉમેદવાર તરફથી ભરવામાં આવ્યું છે. જ્યારે બાકીના ૧૨ ફોર્મ અપક્ષ તરીકે ભરાયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસમાં કુલ ૧૬ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. હવે આ તમામ ફોર્મની ચકાસણી આવતીકાલે તા.૧૭-૧૦ને શનિવારે થશે અને ત્યારબાદ ચૂંટણી ન લડવા ઈચ્છુક ઉમેદવારો ૧૯મી ઓક્ટોબરને સોમવાર સુધીમાં ફોર્મ પાછા ખેંચી લેશે. જેથી સોમવારે સાંજ સુધીમાં ગઢડા પેટા ચૂંટણીના જંગમાં કેટલા અને કયાં ઉમેદવારો મેદાનમાં હશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ ઉમેદવારોની ભાવિનો ફેંસલો અઢી લાખથી વધુ મતદારો આગામી ૩જી નવેમ્બરના રોજ કરશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો