તાજેતરમાં ઘરફોડ ચોરીની તપાસ અર્થે દિલ્હીથી આરોપીને લઇને ભાવનગર આવી રહેલાં ભાવનગર પોલીસના ૪ પોલીસ કર્મીઓને જયપુર પાસે માર્ગ અકસ્માત નડ્યો હતો.જેમાં તેઓના આકસ્મિક મૃત્યુ થયાં હતાં.આ પોલીસ કર્મીઓ દિવંગત સર્વ ભીખુભાઈ બુકેરા, ઇરફાનભાઇ આગવાન અને શક્તિભાઈ ગોહિલના વિદ્યાનગર, ચિત્રા અને હાદાનગર ખાતે આવેલા નિવાસસ્થાને જઈને વન અને પર્યાવરણ મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાએ વિપતની આ ઘડીમાં તેમના પરિવારજનોને મળીને શોકસંતપ્ત પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવી હતી.તેમની આ મુલાકાતમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે પણ જોડાયાં હતાં અને વિશેષરૂપે તેમના પરિવારની મહિલાઓને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવાં હિંમત આપી હતી.
પોલીસ કર્મીઓના પરિવારજનોને દિલાસો અને સાંત્વના પાઠવવા માટે ભાવનગરના કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવભાઇ પંડ્યા, સ્થાનિક કોર્પોરેટરઓ, એ.એસ.પી. સફીન હસન તથા અગ્રણીઓ પણ જોડાયાં હતાં.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો