BREAKING

શહેરના બસ સ્ટેન્ડમાં લગાવેલાં સીસીટીવી ગાયબ થઇ ગયાં..સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સમયપત્રક માટે લગાવેલાં સ્ક્રીન પણ હાલમાં જોવા મળતાં નથીઃલાખોનો ખર્ચ પાણીમાં

ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોની આસપાસ આવેલા બસ સ્ટેન્ડમાં મુસાફરો તેમજ અન્ય અવર જવર કરતાં વાહનચાલકો ઉપર બાજ નજર રહી શકે તે માટે સીસીટીવી લગાવવામાં આવ્યા હતાં. ઉપરાંત બસનું ટાઇમટેબલ જોઈ શકાય તે માટે સ્ક્રીન લગાડાયા હતાં. આ સીસીટીવી અને સ્ક્રીનનું સંચાલન થઇ શકે તે પ્રકારની સુવિધા પણ બસ સ્ટેન્ડમાં ઉભી કરાઇ હતી. છેલ્લા ઘણા સમયથી સ્ક્રીન અને સીસીટીવી ગાયબ થઇ ગયા છે. તેની સામે પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

ગાંધીનગર શહેરમાં તંત્ર દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ વિવિધ આયોજનો તો હાથ ધરવામાં આવે છે પરંતુ તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં નહીં આવતાં ટુંકાગાળામાં જ યોજનાઓનું બાળમરણ થઇ જાય છે.

થોડા સમય અગાઉ બસ સ્ટેન્ડમાં આવતાં મુસાફરો અને મુખ્યમાર્ગો અને પસાર થતાં વાહનચાલકો ઉપર બાજ નજર રહી શકે  તે માટે સીસીટીવી ફીટ કરવામાં આવ્યા હતાં. જેથી મુસાફરો પણ સુરક્ષિત રીતે અવર જવર કરી શકે તેવું આયોજન હાથ ધરીને આ સુવિધા ઉભી કરવામાં આવી હતી.

તો બીજી તરફ નિયમિત દોડતી બસોના સમય અંગે પણ મુસાફરોને માહિતી પ્રાપ્ત થઇ શકે તે માટે સ્ક્રીન ફીટ કરાયાં હતાં. આમ બસની રાહ જોઇ રહેલાં મુસાફરોને પણ સરળતાં મળી શકતી હતી. આ સીસીટીવી અને સ્ક્રિનનું સંચાલન થઇ શકે તે માટેની સુવિધા પણ ઉભી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી સીસીટીવી અને સ્ક્રીન ગાયબ થઇ જતાં લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયાં છે. 

 સીસીટીવી નહીં હોવાના કારણે બસની મુસાફરી કરતાં મુસાફરો પણ અસુરક્ષિત થઇ ગયા છે તો સ્ક્રીનના અભાવે બસોની આવનજાવન પણ જોવા મળી શકતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો