BREAKING

ઈથેનોલ વડે ચાલવા લાગ્યા બાઈક અને થ્રી-વ્હીલરગાડી ચલાવવાનો ખર્ચ ઘટશે.

તા. 24 ડિસેમ્બર, 2021, શુક્રવાર : નવી દિલ્હી

કાર કે બાઈક ચલાવવા માટે ડીઝલ અને પેટ્રોલની જરૂરિયાત ટૂંક સમયમાં જ ખતમ થવાની છે. થોડાંક મહિનાઓમાં જ એવી ગાડીઓની ભરમાર થઈ જશે જે ડીઝલ-પેટ્રોલના બદલે ઈથેનોલ વડે ચાલશે. તે ડીઝલ-પેટ્રોલની સરખામણીએ 40 રૂપિયા પ્રતિ લીટર સસ્તું પડશે અને પ્રદૂષણ પણ ઓછું કરશે. સરકારે કાર કંપનીઓને આ માટે તૈયારીઓ કરવા કહી દીધું છે. 

કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, સરકારે ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓને લઈ એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં વાહન કંપનીઓને 6 મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ લોન્ચ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન આવ્યા બાદ 100 ટકા ઈથેનોલ વડે ગાડીઓ ચલાવવાનું પણ શક્ય બની જશે. આ ફેરફારના કારણે પર્યાવરણની સાથે સાથે લોકોના ખીસ્સાં પરનું ભારણ પણ હળવું થવાની આશા છે. હાલ દેશના અનેક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલ 100ને પાર છે જ્યારે હાલ ઈથેનોલની કિંમત માત્ર 63.45 રૂપિયા પ્રતિ લીટર છે. આમ આ પારંપરિક ઈંધણ પેટ્રોલ-ડીઝલ કરતાં પ્રતિ લીટર આશરે 40 રૂપિયા સસ્તું છે. તે પેટ્રોલની સરખામણીએ 50 ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે. 

મંત્રીએ એમ પણ જણાવ્યું કે, કેટલીક કંપનીઓ પહેલેથી જ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ બનાવવા લાગી છે. 

ટોયોટા, મારૂતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ લાવવા માટે પહેલેથી જ સહમતી આપી ચુકી છે. સરકારની તાજેતરની એડવાઈઝરી બાદ હવે તમામ કંપનીઓએ આ દિશામાં વધવું પડશે. આ કારણે આગામી 6 મહિનામાં અનેક એવી ગાડીઓ લોન્ચ થઈ શકે છે જે પેટ્રોલની સાથે સાથે ઈથેનોલ વડે પણ ચાલી શકશે. હાલ બ્રાઝિલમાં આ પ્રકારના એન્જિનનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો