BREAKING

સિહોર તાલુકાના ટાણા ગામે કાર ચાલકે અડફેટે લેતા બે માસૂમ બાળકોનાં મોત



ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે આજે એક કાર ચાલકે શીતળા માતાજીના મંદિરે દર્શન જઈ રહેલા લોકોના ટોળા પર કાર ચલાવી દેતા બે માસૂમ બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.


બનાવની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામે આજે શીતળા સાતમનો તહેવાર હોય જેને લઇને ગામની કેટલીક મહિલાઓ બાળકો શિતળા માતાજીના દર્શને જઈ રહ્યા હતા તે સમયે રોડ પરથી પસાર થઇ રહેલા એક કારચાલકે બેફિકરાઈથી કાર ચલાવી અને લોકોના ટોળા પર કાર ચલાવી દીધી હતી, જેમાં તૃપ્તિબેન હસમુખભાઈ બારૈયા નામની ૧૦ વર્ષીય બાળકી તેમજ દિવ્યેશ વિજયભાઈ બારૈયા નામના પાંચ વર્ષના બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે મહિલાઓ સહિત ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી જે તમામને સારવાર માટે સિહોર અને બાદમાં વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કાર ચાલક લોકોના ટોળા પર કાર ચલાવી અને ફરાર થઈ ગયો હતો જોકે સ્થાનિક લોકોએ તેમનો પીછો કરી અને તેને ઝડપી લઇ પોલીસને સોંપી દીધો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો