BREAKING

આજે ભાવનગરમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિન કાર્યક્રમનુ રિહર્સલ

જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે પરંતુ હવે પ્રજાસત્તાક દિન આડે માત્ર એક જ દિવસ રહ્યો છે તેથી આવતીકાલે સોમવારે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમનુ રિહર્સલ કરવામાં આવશે, જેમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહેશે. પ્રજાસત્તાક દિનની તૈયારીને હાલ આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. 

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ડીએસપી કચેરીની પાછળ પોલીસ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ર૬ જાન્યુઆરીને મંગળવારે સવારે ૯ કલાકે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમની છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને મોટાભાગની તૈયારીઓ હાલ પૂર્ણ થઈ ગઈ છે તેથી આવતીકાલ સોમવારે બપોરના ૩ કલાકના સમય આસપાસ જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમનુ રિહર્સલ કરવામાં આવશે, જેમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાશે. પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં કોઈ ભૂલ ન રહે તે માટે રિહર્સલ કરવામાં આવતુ હોય છે અને રિહર્સલ દરમિયાન કોઈ સુધારા વધારા કરવાના હશે તો અધિકારીઓ ધ્યાન દોરશે. 

ભાવનગર સહિત ગુજરાતમાં કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે તેથી પ્રજાસત્તાક દિનની ઉજવણી સાદગીથી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં ૪૦૦ વ્યકિત જ હાજર રહી શકશે. વધુ વ્યકિત હાજર રહી શકશે નહી. આ માટેની ગાઈડલાઈન સરકારમાંથી આવી ગઈ છે અને આ ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજાશે. કેબીનેટ મંત્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિનમાં ધ્વજવંદન, પોલીસ પરેડ, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમ થશે. જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારી-કર્મચારી, પદાધિકારીઓ વગેરે હાજર રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો