ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી તા. ૩ નવેમ્બર ર૦ર૦ના રોજ યોજાશે. આ પેટા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે તેથી બપોરના ૩ કલાક સુધી કોઈ પણ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. ઉલ્લેખનીય છે કે, ગઢડા પેટા ચૂંટણી માટે ગત તા. ૯ ઓકટોબરે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ હતુ અને ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો. ગત શુક્રવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો તેથી ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના ૧૬ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. શનિવારે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિતના ૧૩ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા, જયારે ૩ ફોર્મ અમાન્ય રહ્યા હતા તેથી ૧૩ ઉમેદવાર હાલ મેદાનમાં છે ત્યારે આ ઉમેદવારોમાંથી કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે કે નહી ? તેની રાહ જોવી જ રહી.
ચૂંટણીમાં અપક્ષો ઉમેદવારો મત તોડાવતા હોય છે તેથી ભાજપ-કોંગ્રેસની મૂશ્કેલી વધતી હોય છે. કેટલીકવાર મુખ્ય પક્ષના ઉમેદવારો જ જ્ઞાાતી સમીકરણના આધારે હરીફ ઉમેદવાર સામે જીતવા માટે અપક્ષ ઉમેદવાર ઉભા રાખતા હોય છે તેમ ચર્ચાય રહ્યુ છે. કેટલાક અપક્ષ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા અંતિમ દિવસોમાં મુખ્ય પક્ષોના અગ્રણીઓ મનાવતા હોય છે અને સોદાબાજી થતી હોય છે ત્યારબાદ કેટલાક અપક્ષ ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લેતા હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે આ પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચે છે ? તે સાંજ સુધીમાં જાણવા મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો