અહેવાલ-નીતિન મેર-ઘોઘા
ભાવનગર જીલ્લાનો છેવાડાનો ઘોઘા તાલુકો કે જ્યાં આજુબાજુના ૨૦ કરતા વધુ ગામના ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી ડોકટર વિહોણું બની જતા દર્દીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, ત્યારે તાકીદે આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરની નિમણુક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે,વિકાસના બણગા વચ્ચે હજુ લોકોને પાયાની સુવિધાઓ પણ પુરતી મળતી નથી, આરોગ્ય સેવા એ મહત્વની સેવા છે અને તે સેવા તાકીદે અને પુરતી મળે તે પણ જરૂરી છે, ઘણીવાર પુરતી આરોગ્યની સેવા ન મળવાના કારણે ગરીબ દર્દીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, સરકાર દ્વારા મોટા મોટા બેનરો અને પોસ્ટરો લગાવી આરોગ્યલક્ષી સેવાઓ ની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ છેવાડાના ગામડા કે તાલુકા સુધી આ સેવાઓ મલકે છે કે કેમ તે જમીની હક્કીક્ત જાણવાનો ક્યારેય પ્રયત્ન કરવામાં આવતો નથી અને આના કારણે જ ગરીબ દર્દીઓ આરોગ્યલક્ષી સેવાઓથી વાછિત રહી જાય છે, આવું જ કઈક જોવા મળ્યું છે ભાવનગર જીલ્લાના છેવાડાના અને દરિયા કિનારે આવેલ ઘોઘા ગામ માં ...
ઘોઘા ગામ અને ઘોઘા તાલુકાના આજુબાજુના ૨૦ કરતા વધુ ગામના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ એવું ઘોઘા સામુહિક કેન્દ્ર છેલ્લા ઘણા દિવસોથી નધણીયાત થઈ ગયું છે, આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકાર દ્વારા ત્રણ ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફની નિમણુક તો કરવામાં આવી છે પરંતુ હાલ અહિયાં એકપણ જવાબદાર ડોક્ટર ના હોવાથી દર્દીઓને ના છુટકે ભાવનગર સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવા પડે છે.અહિયાં ત્રણ ડોક્ટર હોવા છતાં ગત ૫ નવેમ્બર થી સામુહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર વિહોણું બની ગયું છે, જે ડોક્ટરોની નિમણુક અહિયાં કરવામાં આવી છે તે પૈકી એક ડોક્ટરે રાજીનામું મૂકી દીધું છે જ્યારે એક ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માટે જતા રહ્યા છે અને જે વધ્યા છે તેમના લગ્ન હોય રજા મુકીને જતા રહ્યા છે, અહિયાં દિવસ દરમિયાન ૧૦૦ કરતા પણ વધુ દર્દીઓ આવતા હોય છે તેમજ રોગચાળાની સીઝન દરમિયાન ૨૦૦ કરતા વધુ દર્દીઓ આવતા હોય છે, હાલ ડોક્ટર ના હોવાના કારણે અહિયાં આવતા દર્દીઓને ડોક્ટર નથી તેમ જણાવી દેવામાં આવે છે, અને દર્દીઓ આમતેમ ડોકટરના અભાવે રઝળી પડે છે.
ત્યારે હવે ઘોઘા ગામના અને તાલુકાના આગેવાનો તેમજ સ્થાનિક દર્દીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે ઘોઘા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાકીદે કાયમી ડોક્ટરની નિમણુક કરવામાં આવે જેના કારણે ગરબ દર્દીઓને દુર દુર સુધી ધક્કા ખાવા ના પડે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો